શનિવાર, 27 જુલાઈ, 2019

* ગરુડ પૂરાણ મુજબ ૧૦૦% સાચુ છે :

* મૃત્યુ બાદ શું થાય ?

* મૃત્યુ બાદ જીવન છે ?

* શું મૃત્યુ પીડા દાયક છે ?

* પૂન:જન્મ કેવી રીતે થાય ?

* મૃત્યુ પામ્યા બાદ જીવાત્મા ક્યાં જાય છે ?

■ આવાં  પ્રશ્નો આપણા મનમાં આવે ત્યારે જ આવે...
જ્યારે -
આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય !

■ આવા સમયે આપણે વિચારીએ છીએ કે -
તે વ્યક્તિ સાથે આપણો સંબંધ પૂર્ણ થઈ ગયો ?

■ શું આપણે તે વ્યક્તિને ફરી કદી પણ નહીં મળી શકાય ?

આપણા આ બધા પ્રશ્નોનો ઉત્તર -
આપણા પ્રાચીન 'ગરુડ - પૂરાણ' માંથી મળશે :-

ચાલો આજે આપણે સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ...

■ મૃત્યું એક રસદાયી 'ક્રિયા' અથવા 'ઘટનાક્રમ' છે.

પૃથ્વી - ચક્રનું જોડાણ છુટવુ:

■ અંદાજે મૃત્યુના ૪ થી ૫ કલાક પૂર્વે -
પગના તળીયા ઠંડા પડવાની શરૂઆત થઈ જાય છે.

■ આ લક્ષણો એમ સૂચવે છે કે -
પૃથ્વી - ચક્ર જે પગના તળીયે આવેલ છે,
તે શરીરથી છૂટૂ પડી રહ્યું છે...

■ મૃત્યુના થોડા સમય પહેલાં પગનાં તળીયા  ઠંડા પડી જાય છે.

■ જ્યારે મૃત્યુનો સમય આવે છે...
ત્યારે -
એમ કહેવાય છે કે...
યમદૂત તે જીવનું માર્ગદર્શન કરવા માટે આવે છે.

* જીવાદોરી ( Astral Cord ) :

■ જીવાદોરી એટલે -
આત્મા અને શરીર સાથેનું જોડાણ.

મૃત્યુનો સમય થતાં...
યમદૂતના માર્ગદર્શનથી જીવાદોરી કપાય છે..
અને,
આત્માનું શરીર સાથેનું કનેક્શન કપાઈ જાય છે.
આ પ્રક્રિયાને જ 'મૃત્યુ' કહેવાય છે.

■ એકવાર જીવાદોરી કપાય...
એટલે -
આત્મા શરીરથી મુક્ત થઈ,
ગુરૂત્વાકર્ષણ થી વિરુદ્ધ ઉપર તરફ ખેંચાણ નો અનુભવ કરે છે.

■ પરંતુ આત્મા જે શરીરમાં આખી જીંદગી રહ્યો હોય -
તે શરીર ને  છોડવા જલદી તૈયાર થતો નથી...
અને,
ફરીથી શરીરમાં પ્રવેશ કરવાની કોશિષ કરે છે.

■ મૃતદેહની પાસે રહેલ વ્યક્તિ આ કોશિષ નો અનુભવ કરી શકે છે.

આપણે ઘણી વાર જોઈએ છીએ કે -
મૃત્યુ થયા પછી પણ મૃતકના ચહેરા અથવા હાથ પગ ઉપર સહેજ હલનચલન વર્તાય છે.
તે આત્મા તુરંત સ્વીકાર નથી કરી શકતો કે તેનું મૃત્યુ થયું છે.
તેને એમજ લાગે છે કે તે જીવંત છે.

■ પરંતુ જીવાદોરી કપાઈ જવાને લીધે -
તે આત્મા ઉપર તરફ ખેચાણનો અનુભવ કરે છે.

■ આ સમયે -
આત્માને ઘણા અવાજ સંભળાય છે.
તે મૃમશરીરની આસપાસ, જેટલી વ્યક્તિ રહેલી હશે...
અને,
તે દરેક વ્યક્તિ તે સમયે જે કાંઇ વિચારતા હશે...
- એ બધું જ તે આત્માને સંભળાય છે.

■ એ આત્મા પણ ત્યાં રહેલ વ્યક્તિઓ સાથે વાત કરવાની કોશિષ કરે છે...
પરંતુ કોઈને સંભળાતુ નથી.

■ ધીરે ધીરે આત્માને સમજાય છે કે -
તેનું મૃત્યુ થયું છે.

■ તે આત્મા -
શરીરથી ૧૦ થી ૧૨ ફૂટ ઉપર છત નજીક હવામાં તરતો રહે છે...
અને,
તેને આજુબાજુ શું ચાલી રહ્યું છે...
- તે જોવાય તથા સંભળાય છે.

■ સામાન્ય રીતે -
જ્યાં સુધી શ્મશાનમાં અગ્નિદાહ થાય...
ત્યાં સુધી આત્મા શરીરની આસપાસ જ રહે છે.

■ હવે પછી આ વાત ધ્યાનમાં રાખજો કે -

જ્યારે પણ તમે કોઈની સ્મશાન યાત્રામાં સામેલ થયા હો,
તે મૃતકનો આત્મા પણ સહુની સાથે યાત્રા દરમિયાન સાથે હશે...
અને,
દરેક વ્યક્તિ તેની પાછળ શું બોલી રહ્યા છે...
તેનો એ આત્મા 'સાક્ષી' બને છે.

■ જ્યારે સ્મશાનમાં -
તે આત્મા પોતાના શરીરને 'પંચમહાભૂત' માં વિલીન થતાં જોય છે...
ત્યારબાદ -
તેને 'મુક્ત' થયાનો અહેસાસ થાય છે.

■ આ ઉપરાંત -
તેને સમજાય છે કે -
માત્ર વિચાર કરવાથી જ તેને જ્યાં જવું હોય તે ત્યાં જઈ શકે છે.

■ પહેલાં સાત દિવસ સુધી -
એ આત્મા તેની મનગમતી જગ્યાએ ફરે છે. 
જો, એ આત્માને તેમના સંતાન પ્રત્યે લાગણી હશે...
તો -
તે સંતાનના રૂમમાં રહેશે !

જો,
એમનો જીવ રુપિયામાં હશે તો -
તેના કબાટ નજીક રહેશે !

■ સાત દિવસ પછી -
તે આત્મા તેના કુટુંબને વિદાય લઈ,
પૃથ્વીની બહાર ના આવરણ તરફ પ્રયાણ કરે છે...
જ્યાંથી તેને બીજા લોકમાં જવાનું છે.

■ આ મૃત્યુલોક માંથી પરલોકમાં જવા માટે -
એક ટનલ માંથી પસાર થવું પડે છે.

આજ કારણસર કહેવાય છે કે -
મૃત્યુ પછીના ૧૨ દિવસ અત્યંત કસોટીપૂર્ણ છે.

■ મૃતકના સગાં સંબંધીઓએ તેની પાછળ જે કાંઇ ૧૨માં અથવા ૧૩માંની શાસ્ત્રોક્ત વિધિ, પીંડદાન તથા ક્ષમા-પ્રાર્થના કરવાની અત્યંત જરૂરી છે.

જેથી -
તે આત્મા, કોઈ પણ વ્યક્તિ તરફી નકારાત્મક ઉર્જા, રાગ, દ્વેષ, વગેરે  પોતાની સાથે ન લઈ જાય.

■ તેમની પાછળ કરેલી દરેક વિધિ સકારાત્મક ઉર્જાથી થઈ હશે...
તો,
તેમની ઉર્ધ્વગતિ માં મદદરૂપ થશે.

મૃત્યુલોક થી શરૂ થતી ટનલના અંતે -
દિવ્ય-તેજ યુક્ત પરલોકનું પ્રવેશ દ્વાર આવેલ છે.

* પૂર્વજો સાથે મિલન :

■ જ્યારે ૧૧માં, ૧૨માં ની વિધિ, હોમ-હવન, વિગેરે કરવામાં આવે છે...
ત્યારે -
તે આત્મા તેના પિતૃઓને, સ્વર્ગવાસી મિત્રોને તથા સ્વર્ગસ્થ સગાઓને મળે છે.

આપણે જેમ કોઈ વ્યક્તિને ઘણા સમય પછી મળ્યા હોય...
ત્યારે,
કેવી રીતે ગળે મળીએ છીએ...
તેવું જ અહીં મિલન થાય છે.

■ ત્યારબાદ -
જીવાત્માને તેના માર્ગદર્શક દ્વારા કર્મોના હિસાબ રાખતી સમિતિ પાસે લઈ જવામાં આવે છે.
તેને ચિત્રગુપ્ત તરીકે ઓળખવામાં આવે છે.

* મૃત્યુલોક ના જીવનની સમીક્ષા :

■ અહીં કોઈ ન્યાયકર્તા  કે કોઈ પણ ભગવાનની હાજરી નથી હોતી.

■ જીવાત્મા પોતે જ તેજોમય વાતાવરણ માં -
પોતાના પૃથ્વી ઉપરના વિતેલા જીવનની સમીક્ષા કરે છે.
જેમ કોઈ ફિલ્મ ચાલતી હોય...
એ રીતે જીવાત્મા પોતાની વિતેલી જીદંગી જોઈ શકે છે.

■ ગત્- જીવનમાં -
જે તે વ્યક્તિઓએ તેને જે કાંઇ તકલીફો આપી હતી...
તેનું વેર લેવા આ જીવાત્મા ઈચ્છી શકે છે.

■ પોતે કરેલ ખરાબ કર્મો માટે -
અપરાધ ભાવ પણ આ જીવ મહેસૂસ કરે છે...
અને,
તે બદલ પશ્ચાતાપ રુપે હવે પછીના જન્મમાં શિક્ષા ભોગવાનુ માગી શકે છે.

અહીં પરલોકમાં આ જીવાત્મા તેના શરીર તથા અહંકાર થી મુક્ત છે.

■ આજ કારણસર -
દેવલોકમાં સ્વીકારેલો ચુકાદો તેના આગલા જન્મનો આધાર બને છે.

ગત જન્મમાં બનેલ દરેક ઘટનાઓના આધારે...
તે જીવ પોતાના થનારા નવા જન્મનો નકશો-કરાર (બ્લુ-પ્રીન્ટ) બનાવે છે.

■ આ કરારમાં -
જીવ પોતાના નવા જન્મમાં થનારી દરેક ઘટનાક્રમ, પ્રસંગો, આવનારી મુશ્કેલીઓ , વેરઝેર, બદલો, પડકાર, ભક્તિ, સાધના વગેરે નક્કી કરે છે.

■ હકીકતમાં -
જીવ પોતેજ ઝીણા માં ઝીણી વિગતો જેવી કે ઉમર, નવા જીવનમાં મળનારી દરેક વ્યક્તિ, અનેક પ્રસંગ દ્વારા થનારા સારા - નરસા અનુભવો, વગેરે...
આ જીવાત્મા પહેલાંથી જ નક્કી કરે છે.

■ દાખલા તરીકે -
કોઈ જીવ જુએ છે કે -
પાછલા જન્મમાં તેણે પોતાના પાડોશી ને માથામાં પથ્થર મારીને હત્યા કરી હતી...

આ ઘટના ના પશ્ચાતાપ રુપે -
તે જીવ પોતાના આગલા જન્મમાં એટલી જ વેદના ભોગવવાનું નક્કી કરે છે.

તેના ભાગરુપે તે આખી જીંદગી માથાનો અસહ્ય દુઃખાવો સહન કરવાનું કરારબધ્ધ કરે છે કે -
જેની વેદનાને કોઈ દવાની પણ અસર ન થાય.

* આગલા જીવનનો કરાર (બ્લુ-પ્રીન્ટ) :

■ દરેક જીવ -
તેના નવા જીવનનો જે કરાર કરે છે,
તે તદ્દન પોતાના મૂળભૂત સ્વભાવને આધારીત જ હોય છે.

જો જીવનો સ્વભાવ વેરઝેર યુક્ત હોય તો -
તેનામાં બદલાની ભાવના પ્રબળ હશે.

જેટલી તીવ્રતાની ભાવના હશે...
તે પ્રમાણે ભોગવવું પડશે.

■ આજ કારણસર -
દરેક વ્યક્તિને માફ કરવું જરૂરી છે...
અથવા,
આપણી ભૂલની માફી માંગવી જરૂરી છે...

નહીં તો -
વેરભાવ ચૂકવવા માટે -
જન્મો જન્મની 'પીડા' ભોગવવી પડશે.

■ એકવાર -
જીવ પોતાના આગામી જન્મના કરારની બ્લુ-પ્રીન્ટ નક્કી કરે છે...
ત્યારબાદ -
વિશ્રાંતિ નો સમય હોય છે.

■ દરેક જીવની પોતાની ભોગવવાની તીવ્રતા પર...
આગલા જન્મ વચ્ચેનો વિશ્રાતિ સમય નક્કી થાય છે.

* પૂનઃજન્મ :-

■ દરેક જીવ -
પોતે નક્કી કરેલા કરાર પ્રમાણે...
પોતે નક્કી કરેલ સમય બાદ પુનઃજન્મ લેય છે.

■ દરેક જીવને -
પોતાના માતા પિતાને પસંદ કરવાનો અધિકાર પ્રાપ્ત છે.

તે ઉપરાંત -
જીવને માતાના ગર્ભમાં ક્યા સમયે દાખલ થવું એનો અધિકાર પણ છે.

જીવ અંડકોષ ના મિલન દરમ્યાન -
૪થા- ૫માં મહીને...
અથવા,
પ્રસૂતિના અંતિમ સમયે પણ ગર્ભમાં પ્રવેશ કરી શકે છે.

■ આ બ્રહ્માંડ પણ એટલું જ વિકસિત અને સંપૂર્ણ છે કે -
જો જીવની જન્મકુંડળીનું વિધાન કાઢવામાં આવે તો -
એ જીવાત્માએ જે પ્રમાણે જીવનનો કરાર કરીને જન્મ લીધો હોય...
તેની જ બ્લુ-પ્રીન્ટ નીકળશે.

■ દરેક જીવાત્માને જન્મના ૪૦ દિવસ સુધી -
પોતાનો પાછલો જન્મ યાદ રહે છે.

ત્યારબાદ -
પાછલા જન્મની બધી સ્મૃતિ વિસરાઈ જાય છે...
અને,
જીવ એ રીતે વર્તન કરે છે કે -
જાણે તે અગાઉ અસ્તિત્વ માં જ ન હતો.

■ દરેક જીવ -
દેવલોકમાં જે કરારબધ્ધ થઈ ને અહીં મૃત્યુલોકમાં જન્મે છે...
તે કરાર જ ભૂલી જાય છે.
અને,
પોતાની વિષમ પરિસ્થિતિનો દોષ -
ગ્રહો તથા ભગવાન ને આપે છે.

■ આપણે સહુએ એક વાત સમજવા જેવી છે કે -
આપણે ભોગવી રહેલ દરેક પરિસ્થિતિ (સારી અથવા વિષમ),
તેનું ચયન આપણે ખૂદ જન્મ લીધા પહેલાં જ કરેલ છે.

■ આ જીવનમાં રહેલી દરેક વ્યક્તિ, માતા, પિતા, મિત્રો, સંબંધીઓ, જીવનસાથી, શત્રુઓ વિગેરેની પસંદગી પણ આપણે જ કરેલ છે.

■ આપણા જીવન રુપી ફિલ્મની વાર્તા લખનારા તથા પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ આપણે સ્વયં છીએ.

■ એક વાત ધ્યાનમાં રાખો -
આપણા જીવનમાં આવનારી દરેક વ્યક્તિ એજ રોલ નીભાવે છે...
જે રોલ આપણે લખ્યો છે.

તો પછી -
આપણે શું કામ કોઇ પણ વ્યક્તિ સામે ફરિયાદ કરવી જોઈએ ?

* શું મૃત્યુ બાદ -
સ્વજનો પાછળ પ્રાર્થના તથા ક્રિયા કરવાની જરૂર છે ?

■ મૃત્યુ બાદ આપણાં સ્વજનોને ગતિ પ્રાપ્ત થાય તે અત્યંત જરૂરી છે.

ગતિ એટલે આત્મા એ મૃત્યુલોક થી પરલોકમાં પ્રયાણ કરવું.
જો ગતિ ન થાય તો જીવ પૃથ્વીલોકમાં જ અટકી જાય છે.

■ ઘણી વાર એવું પણ બને છે કે -
જીવની કોઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય,

જીવ અત્યંત દુ:ખી થઇ ને નીકળ્યો હોય,

અકસ્માત માં કે ઈજાગ્રસ્ત અવસ્થામાં મોત થયું હોય,

આપઘાત કર્યો હોય,

કોઈ નજીક ની વ્યક્તિ માં જીવ રહી ગયો હોય
અથવા,
જીવાત્મા ની પાછળ અધકચરી અપૂર્ણ અંતિમ ક્રિયા થઈ હોય
અથવા
આત્માને લાગે કે તેને હજુ થોડો સમય પૃથ્વીલોકમાં રહેવું છે...

આવી પરિસ્થિતિ માં જીવ અહીં જ રહી જાય છે.

■ પરંતુ મૃત્યુ બાદ -
દરેક જીવાત્માએ ૧૨ દિવસમાં દેવલોક તરફ પ્રયાણ કરવાનું હોય છે...
ત્યારબાદ -
તે પ્રવેશદ્વાર બંધ થઈ જાય છે
અને,
તે આત્મા દેવલોકમાં પ્રવેશી શકતો નથી.

અને,
પૃથ્વી ઉપર 'પ્રેત-યોની' માં અધવચ્ચે રહી જાય છે.

■ આમ -
તે આત્માને નથી દેવલોકમાં પ્રવેશ મળતો..
કે,
નથી ભોગવવા માટે શરીર મળી શકતું.

આજ કારણસર -
જનાર વ્યક્તિ પાછળ ક્રિયા-વિધિ,  ક્ષમા-પ્રાર્થના અત્યંત જરૂરી છે કે -
જેથી
સદ્ગગત્ આત્માની 'ગતિ' થાય.

■ અત્યાર ના સમયમાં -
નવી પેઢીને આ બધા રીતીરિવાજો, માન્યતાઓ જૂનવાણી લાગે છે
અને,
પોતાના સ્વજનો પાછળ ક્રિયા વિધિ કરતાં નથી.

આને લીધે -
ઘણાં જીવાત્માઓ અહીં પૃથ્વીલોકમાં અટકી ગયા છે...
અને,
તેઓની ગતિ થતી નથી.

■ દરેક પરિવારે તેમના સ્વજનો ના સદ્ગગત  આત્માની ગતિ માટે -
કરવામાં આવતી ક્રિયા વિધિની કદી ઉપેક્ષા  કરવી નહીં.

■ જે પરિવારે તેમના સ્વજનો ગુમાવ્યા છે,
તેમણે કદી દુઃખી થવું નહીં.
કેમ કે -
આત્માનુ કદી મૃત્યુ નથી થતું....
સમય આવતાં આપણે સ્વજનોને મળવાનાં જ છીએ.

લેખ સૌજન્ય : 'ગરુડ પૂરાણ'

પ્રાથમિક શાળાનું વિલીનીકરણ: સરકારની બિન ઉપજાઉ શાખાને સાઇડ લાઈન કરવાનું કાવતરું

અચાનક નથી થયું કશું. રંધાતું હતું. શા માટે ચૂપ છે બધા? શા માટે એસ.એમ.સી. વાલીઓ કે લોકો ચૂપ છે? શું થઈ રહ્યું છે એ લોકશાહી દેશના લોકોને જ કેમ ખબર નથી પાડવા દેવામાં આવતી અંત સુધી? શા માટે શાળાને મર્જ કરવાનો નિર્ણય પણ જે તે ગામના વાલીઓ પર ના છોડાય?

સરકારનો ' ફતવો '

રોજ પાંચ નવા ફતવા પરિપત્ર રૂપે  શિક્ષણ વિભાગમાં થાય છે એમાં એક નવો વધારો...

૧૦૦ થી ઓછાં વિદ્યાર્થીઓ હોય એ સરકારી પ્રાથમિક શાળાઓને બાજુની શાળામાં મર્જ કરવામાં આવશે. આ શાળા ત્રણ કિમી.ની અંદર હશે.

વાસ્તવિકતા

જો આ શાળામાં ભણતા બાળકોના વાલીઓ સક્ષમ હોત કે આ બાળકો સક્ષમ હોય તો બીજી શાળામાં પેહલેથી જ ના ભણત? વાડી વિસ્તારથી ગામ દૂર હોય કે નાના ગામથી મોટું ગામ દૂર હોય એટલે તો આ શાળા અસ્તિત્વમાં આવી હોય છે કે બાળકોને આવવા જવાનું સરળ પડે.

બાળકોને મુશ્કેલી એ સર્જાવાની કે દૂર શાળામાં જવા વાલીઓ મૂકવા જવું પડશે. વાલીઓની અનુકૂળતા નહિ હોય એ દિવસે એ નહિ આવે. સવારની શાળા હોઈ ત્યારે વચ્ચેના રસ્તાઓ અવાવરૂ હોય તો મોટા છોકરાઓ પણ નહિ આવે. શાળામાં વિદ્યાર્થીઓની અનિયમિતતા, ડ્રોપ આઉટ, અપ ડાઉનનું સ્ટ્રેસ, વાલીઓની અનુકૂળતા આ બધી સમસ્યાઓનો સામનો ૬ થી ૧૪ વર્ષનું બાળક કરશે.

આવું કરવું શા માટે પડ્યું?

શિક્ષણના સચિવ શ્રીમાન રાવ સાહેબે એક સર્વે રજૂ કાર્યો કે આટલી સરકારી શાળાઓમાં ૧૦૦ થી ઓછી સંખ્યા છે જો એને બંધ કરવામાં આવે તો સો એન્ડ સો રકમનો સરકારનો ચોખ્ખો બચાવ થાય.   આટલા શિક્ષકો ઓછા લેવા પડે. વગેરે વગેરે... માં બાપ ને તો પૈસા બચાવતું બાળક જ ગમવાનું. વિકાસ વાંછુઓ તૈયાર પણ થઈ ગયાં. પણ પછી અટવાયા કે ૬ થી ૧૪ વર્ષના બાળકો ને મફત ને ફરજિયાત શિક્ષણ આપવાનું છે એ બંધારણીય છે. છાને ખૂણે એમ પણ વાત થઈ કે મોટે ઉપાડે અગાઉની ચૂંટણીઓમાં ' સાહેબ ' ના વખતમાં ગામડાંના મત લેવા આપડે જ સરકારી શાળાના ગેટ આગળ મોટા અક્ષરે લખવું ફરજિયાત કર્યું હતું કે ૧૦૦ મીટર ની ત્રીજિયમાં જ સરકારી શાળા બાળકને મળી રહે ને ન મળે તો વાહન આપવું. બોલો? એટલે હવે બંધ કરીએ એમ નહિ, નામ બદલો ' વિલીનીકરણ ' કરીએ છીએ.

અસર અને પરિણામ: શું સરકાર સોનાના ઈંડા દેતી મરઘી પાળવા ઘરની ગાયને મારશે?!

૧૦૦ મીટરની ત્રીજિયમાં જ સરકારી શાળા બાળકને મળી રહે ને ન મળે તો વાહન આપવું. આ વાતનું શું થશે? એક તરફ દૂરથી બાળકને લાવવા લઈ જવા વાહનના કોન્ટ્રક થાય છે ને બીજી બાજુ શાળાઓનું અંતર વધારાય છે તો સરકાર ઈચ્છે છે શું? કોન્ટ્રાકટ વધે તો ' ઉપજાઉ ' કામ થાય?!

થાશે એવું કે ૧૦૦ વિદ્યાર્થી ધરાવતી શાળાના અમુક વાલીઓ સક્ષમ હશે થોડોક પણ તો એ પેલી દૂર શાળાએ મૂકવા લેવા જવાની માથાકૂટમાં પાડવા કરતા ખાનગી શાળા કે જેનું વાહન ઘરે આવીને લઈ જાય મૂકી જય છે ત્યાં બાળકને  ' મર્જ ' કરશે. અંતે આ શાળા જ્યાં વિલીન થઈ છે એમને પણ પૂરી સંખ્યા ના મળે. હવે? સંખ્યા ઓછી તો શિક્ષકો પણ ઓછા જોઈએ. ભરતી ના કરવી પડે. પગારનો બોજ કે નવા કર્મચારીનો બોજ ના પડે. વાહ! અને હવે તો ' દેશ બદલી રહ્યો છે ' વાલીઓ સક્ષમ થઈ રહ્યાં છે. એમને એમના બાળકને ભણાવવા હશે તો ખાનગીમાં મૂકશે. આખરે એ જ તો છે સોનાના ઈંડાના હપ્તા આપતી મરઘી! એનું શું થાય જો સરકારી શાળા સારી થઈ જાય તો?

પરિણામે શિક્ષણનું ખાનગીકરણ વધશે. વાલીઓને ફરજ પડશે. સરકારી શાળાના શિક્ષકોનાં મોરલ ભાંગશે સરકારી શાળાનું તંત્ર બગડશે.

શા માટે સબ ચૂપ જેવી સ્થિતિ છે?

એસ.એમ.સી. પાસે આનો વિરોધ કરવાની સત્તા છે.   વાલીઓ આ બાબતે જાગૃત થાય તો એના છોકરાઓને સરકારે ભણાવવા પડે ૧૦૦ ને બદલે  પાંચ હોય તો પણ. તો કેમ કોઈ કશું બોલતું નથી? કે બોલી શકાતું નથી કે બોલવા દેવામાં આવતા નથી? સરકારી શિક્ષકનું ગળું તો પાંચ વર્ષ પેહલાના એક પરિપત્રમાં જ ઘૂંટી નાખવામાં આવ્યું છે એટલે માંડ માંડ ઘર ચલાવતો બાપડો માસ્તર તો શું બોલે? પણ આવી ઘટના સરકાર ખાલી પરિપત્રથી અમલમાં લાવે એ ખોટું. આની નોટિસ રૂપે દરેક છાપામાં મોટા અક્ષરે એની નીતિ જાહેર કરવી જોઈએ. ગામ કે તળ વિસ્તારનો વિશ્વાસનો મત લેવાવો જોઈએ. આફ્ટર ઓલ લોકશાહી દેશ છે. સ્થાનિક સમિતિને તો કમસેકમ કેહવુ જોઈએ. એમાં એક આચાર્ય ને શિક્ષક છે એનો મત પણ માન્ય રાખવો જોઈએ કારણ કે ગ્રામ્ય સ્તરે સાચી સ્થિતિ એક શિક્ષકથી વધુ કોઈ જાણતું નથી.

ભોગ કોનો લેવાશે?

મજૂર, કારીગર, ભાગયત ખેડૂત, નાના વેપારી, સામાજિક એવમ શૈક્ષણિક પછાત, અંતરિયાળ રેહનારા, આવા વર્ગના વાલીઓના બાળકોનો ભોગ લેવાશે. કારણ કે સવારમાં ટિફિન બનાવીને નીકળી જનાર આ વર્ગના બાળકોને નજીકની શાળા જ સાચવતી, હવે દૂર થશે તો વાલી એમને સાથે લેતા જશે. કાં બાળક એટલો સમય ચાલીને ત્યાં પહોંચશે. એના માટે એને વહેલું નીકળવું પડશે ગરમી ને વરસાદમાં એનો વાલી નહિ હોય એની સુરક્ષા માટે. પણ એ.સી. માં બેઠાં બેઠાં આ વિચાર ના આવે. આપણે તો રાષ્ટ્રભક્તો એવા ઉદાહરણ આપીએ કે લાલ બહાદુર શાસ્ત્રીજી નદી તરીને જતાં તો એ મહાન બન્યા! પણ એલા આઝાદીના આટલા વર્ષે પણ આ જ સ્થિતિ મારા દેશના બાળકે ભોગવવાની? પોઈન્ટ એ પણ નોંધો સાહેબ કે મર્જ કરેલી ઘણી શાળાઓમાં કોઈ જગ્યાએ નદી, વોકળો કે રાષ્ટ્રીય ધોરમાર્ગ ટપવા પડે એ સર્વે કરાવ્યો છે?

આવા નિર્ણયો શા માટે?

અગાઉના સચિવ સુનયના તોમર દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ મુકાયેલો. જેમાં ગામડાની સરકારી શાળા જ્યાં પેલા શિક્ષકો માટે બેસવા ડબ્બા કે પથ્થર હતા ત્યાં તેણે પ્રોજેક્ટર ને સ્માર્ટ ક્લાસ કર્યા. બાળકો ડિજિટલ બોર્ડ પર ભણતાં થયાં. શિક્ષકો ને બાળકો બંને ઉત્સાહમાં આવ્યા. પ્રાથમિક શાળાના શિક્ષકોએ હોંશે હોંશે ભાગ લીધો એને ય લાગ્યું કે મેરા દેશ બદલ રાહ હૈ... પણ એ સચિવની તરત બદલી થઈ ત્યાંનું કારણ જે હોય તે પણ દેખીતું કારણ એક જ લાગે છે કે એમાં સરકારે ગુમાવવાનું હતું વસ્તુ ખરીદી ને મેન્ટેનન્સ બધું માથે પડે જે ખાતા માંથી કંઈ સીધી રીતે ' ઉપજતું ' નથી  ત્યાં જાજો ખર્ચ  કરાય? કોમ્પ્યુર યુગમાં  ડાયરીમાં ખર્ચ કરાય એકમ કસોટીની છાપેલ બુક આપવામાં ખર્ચ કરાય પણ આધુનિક શિક્ષણ માટે કઇ ન થાય?!

એક સવાલ...

તમે પેન્શન પાત્ર નોકરી બંધ કરી કોઈ વાંધો નહિ. તમે પાંચ વર્ષ ફિક્સ પગાર રાખ્યો, કોઈ વાંધો નહિ.
તમે ગુણોત્સવ અને પ્રવેશોત્સવમાં માસ્તર ને વિદ્યાર્થીઓને નચાવ્યા, કોઈ વાંધો નહિ.
તમે ડાયરી, સ્વાધ્યાય પોથી, એકમ કસોટી બુક, બાંધકામ, કોમળ બાળકને ઉનાળામાં બાળી મૂકે એવા સિંટેક્ષના રૂમ, પ્રોજેક્ટર, કોમ્યુટર, ડ્રેસ વગેરેના નામે ઘર ભર્યા, કોઈ વાંધો નહિ.
તમે સૌથી મોટો ગુનો આર.ટી. ઈ. ને ઢાલ બનાવી સરકારી પ્રાથમિક શાળા માંથી ખાનગીમાં બાળકોને પ્રવેશ અપાવ્યો, કંઈ વાંધો નહિ.
તમે ઓનલાઇન હાજરી, માહિતી મૂકવાં માટે શિક્ષકોને રાસડા લેવડાવ્યા, કોઈ વાંધો નહિ.

પણ .... પણ .... પણ .....

સરકારી શાળાઓને ' વિલીનીકરણ ' જેવા રૂપાળા શબ્દોની ચુંદડી ઓઢાડીને રાષ્ટ્રભક્તિનું ઘરઘરણું કરો એ કેટલું વાજબી?

શું કરવું જરૂરી?: ગામડાનું ટેલેન્ટ ન રોળાવા દેવું હોય તો...

સરકારે....
આ નીતિ ખારીજ કરે જેટલું બને એટલું વહેલા.
તેવી શાળાઓમાં વિસ વિદ્યાર્થીએ એક શિક્ષક લેખે શિક્ષક આપો. ૧૦૦ એ પાચ હશે તો પણ એક તો તમારી આંકડાકીય માહિતીઓ આપવામાં જ રહેશે.
દરેક શિક્ષક શાનથી શાળામાં જાય એવા એના પ્રોત્સાહન માટે સરકારે છેલ્લા પાંચ વર્ષમાં એક પણ પગલું ભર્યું હોય તો બતાવે? શાળા પરિપત્રોથી નથી ચાલતી કે બાળકોને ભણાવી દેવા એ પ્રોગ્રામિંગ નથી કમ્પ્યુટરનું કે તરત થઈ જાય, જીવતા જીવ સાથે કામ પાર પાડવાની વાત છે આ.
સ્વીકારીએ કે શિક્ષકો ભણાવતા નથી તો યોગ્ય તપાસ કરો. સૂકા પાછળ લીલું ના બાળો.

નીતિએ...
શિક્ષણ વિભાગ સરકાર માટે ખર્ચાળ છે. એમાં જાવક છે આવક કઇ નથી એવું તંત્ર વિચારતું હોય એમ એક જ સરકારના કર્મચારી હોવા છતાં બેન્કર અને શિક્ષક બંનેના પગાર ધોરણ જુદાં!? પગાર તો ઠીક લાભો મળવાના નિયમો જુદાં.
નીતિ વિષયક અનુકરણ વિદેશ માંથી કર્યું પણ શિક્ષણ સ્તરે શિક્ષણનું વહીવટી તંત્ર તો જૂનું જ છે. ત્યાં શિક્ષકો કામ આપે છે કારણ કે એને સપોર્ટ કરનારું એનું તંત્ર છે અને અહીં પરિણામ વિદેશી નીતિ પ્રમાણે જોઈએ પણ આપવા સમયે કંઈ નહિ. સાદુ ગણિત છે કે ઘરે કામ કરતો કારીગર કે નોકરનું કાર્ય આપની અપેક્ષા એ ત્યારેજ ખરું ઉતારવા માંડશે જ્યારે તમે એમને સ્વમાનભેર જીવવા દેશો.

લોકોએ..
જાગૃત થવું પડશે.
સરકારી શાળા તરફ વળવું પડશે.
શિક્ષકો ત્યાં ના ભણાવે તો ફરિયાદ કરો કે સાથે મળી ને વાત કરી ને સમસ્યા ઉકેલો.
એસ.એમ.સી.ની સત્તા શું છે એ કોઈ શિક્ષક કે શિક્ષણ તંત્ર આપને નહિ કહે કારણ કે તમે ઘણો બદલાવ લાવી શકો એમ છો તો એમાં રહો ને સરકારના ફતવા સામે ને શિક્ષકોના આળસ સામે લડો ને સારું કામ કરનારાને બિરદાવો.
તમે અને તમારા આસપાસના લોકો એનું બાળક સરકારી શાળામાં ભણાવા મૂકે એવું અભિયાન ચલાવો.

દેશ આઝાદ થયાના આટલા વર્ષે સરકારી પ્રાથમિક શાળાઓ વધવી જોઈએ અને આધુનિક થવી જોઈએ. આ કેવી નીતિ કે સરકારી શાળાઓ ઓછી થાય ને શિક્ષકો ઓપી થાય?!

સો વાતની ત્રણ વાત...

નીતિ વિષયક નિર્ણયો શિક્ષકો ને એસ.એમ.સી.ના વિશ્વાસના મતે લેવાય. સચિવો એ વહીવટી ને મેનેજમેન્ટ ના  માનસ ધરાવે છે એને કેળવણી વિષયક નિર્ણય ન લેવા દેવાય.

ભારતનું પ્રત્યેક બાળક ભારતનું ભવિષ્ય છે એના ભાવિ સાથે ચેડાં ન થાય એ માટે શિક્ષકોને માત્ર વર્ગમાં કામ કરવા દો.

વહીવટી માળખું પરિણામની અપેક્ષા રાખે તો સ્વાયત્તા આપે.

શા માટે લખ્યું? નામ વગર એ પણ?

હું શિક્ષક છું. ભલે કોલર આઈ ડી પેહરેલો હોઉં પણ સિંહ છું. સરકારી કર્મચારી છું એટલે કોલર આઈ ડી પેહરેલા સિંહનું લોકેશન જેમ ફોરેસ્ટ ના હાથમાં હોય એમ હું સરકારના હાથમાં છું પણ સિંહ જંગલનો હોય છે ને ફોરેસ્ટર જંગલ માટે હોય છે ફોરેસ્ટર નું જંગલ નથી. એમ હું શિક્ષક છું પણ નાગરિક પણ છું લોકશાહી દેશનો. બાલા સાહેબ ઠાકરેના શબ્દો યાદ આવે છે: સરકાર દેશ માટે છે સરકારનો દેશ નથી. સિંહને તમે પાંજરામાં રાખી શકો પણ એની દહાડવાની ફિતરત ના ટાળી શકો.

શું કામ લખ્યું નો જવાબ છે:
દેશ ને સત્યના બદલામાં કશું જ ના ખપે.

નામ વગર કેમ? નો જવાબ:

મારો આધાર પગાર છે. મારો કોઈ ગોડ ફાધર નથી કે કોઈ રાજકારણી કે કોઈ મોટી હસ્તિને હું ઓળખાતો નથી. કે મારા સસ્પેન્સ અથવા ટ્રાન્સફર ને રોકવી શકે એવી મારી પાસે કોઈ લાગવગ નથી. નથી વધારાનો ધંધો કે નથી ખેતી. કે નથી મને કોઈની વિરુદ્ધમાં થવાની મજા. મારે મારું મગજ વાદ પ્રતિવાદમાં નથી બગાડવું. એક વિચાર રજૂ કાર્યો છે. ફાવે તો તમારો ના ફાવે તો મારો.

જય હિન્દ...  વંદે માતરમ્...