સોમવાર, 8 જુલાઈ, 2019

*સરકારના શિક્ષણ અંગેના સત્તાવાર અહેવાલની ભીતરમાં*

*નીચેની પોસ્ટ લાંબી લાગશે ધીરજ થી વાંચજો અને જો યોગ્ય લાગે તો શક્ય તેટલા બધે જ તે શેર કરજો આ અંગે કોઈ પણ ટીપ્પણી ખુલ્લા દિલે પણ સ્વીકારવાની તૈયારી છે.*

આજરોજ સવારથી રાત્રી સુધી ટી.વી. ચેનલોએ એક સમાચાર સતત વહેતા કર્યા કે ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા જે વ્યાપક સર્વેક્ષણ હાથધરવામાં આવેલ તેમાં એવું જાણવા મળેલ છે કે ગુજરાતમાં શિક્ષણ લેતા બાળકો પૈકી ૮૧% બાળકોને ગુજરાતી વાંચતા-લખતા માંડ આવડે છે.
પ્રસારમાધ્યમો આ અંગે શિક્ષકો ઉપર તડીપાક બોલાવે. કેટલાક નકારાત્મક વલણ ધરાવતા નાગરિકો ઉસ્કેરાટ અનુભવે અને તેઓ પણ શિક્ષકો સામે આંગળી ચીંધે. માનનીય શિક્ષણમંત્રીશ્રી એ તો તાજેતરમાં જ દશમાં અને બારમાંના પરિણામ પછી જાહેરમાં એવી ટકોર પણ કરી કે ૩૦% થી ઓછુ પરિણામ જ્યાં આવે છે તે શિક્ષકોની નબળાઈ છે. આગળ વધીને એમ પણ કહ્યું કે સરકાર પગાર આપે છે તો કામ માગવાનો સરકારને હક્ક છે.
આ ઘટનાચક્રોની ભીતરમાં જે પડ્યું છે તે આપણે સહુ નાગરિકોએ અને ખાસકરીને શિક્ષકોએ તાકીદે સમજવાની જરૂર છે.
હવે એ જગજાહેર છે કે સરકાર પોતાની જવાબદારી સંપૂર્ણરીતે ખંખેરી નાખવા માંગે છે. આર્થિક સુધારા પછી ખાનગીકરણને વેગ મળે તે તો સમજાય પણ અહીતો સરકાર બિસ્તરાપોટલા વાળીને બધો જ હવાલો ખાનગીક્ષેત્રને હોંશે હોંશે વધાવીને આપવા માંગે છે. આપણે નાગરિક તરીકે, સંતાનોના માં-બાપ તરીકે, શિક્ષકોના પ્રતિનિધિ તરીકે એટલા પ્રશ્નો કેમ ન પૂછીએ?
૧. જો સરકારને પોતે જે ક્ષેત્ર સંભાળે છે તેની કામગીરી નબળી લાગે છે તો તેની જવાબદારી નક્કી કેમ નથી થતી? શું ખાનગીક્ષેત્રને હવાલો સોંપવાથી આપોઆપ બધું સ્વર્ગ થઇ જશે? જો શિક્ષણ નબળું છે તો સરકારે શિક્ષણ સચિવનો સત્તાવાર લેખિત ખુલાસો માંગ્યો ખરો? શિક્ષણ સચિવે કમિશ્નર, નાયબ કમિશ્નર, વિભાગીય અધિકારીઓને લેખિતમાં કોઈ આદેશો કર્યા ખરા? શિક્ષણ વિભાગે સંલગ્ન શાળાઓના આચાર્યોને સત્તાવાર રીતે કોઈ કડક પગલા અંગેની જાણ કરી ખરી? જે નબળી કળી છે તે હવે જ ખબર પડી છે? લોકશાહીમાં વહીવટી તંત્ર અલગ છે. આજ દિન સુધી ટી.વી. ઉપર કે અખબારમાં શિક્ષણ સચિવ જાહેરમાં આવ્યા નથી, કમિશ્નર કે નિયામક જાહેરમાં આવ્યા નથી. શિક્ષણમંત્રીશ્રી પ્રજાના પ્રતિનિધિ ચોક્કસ છે પણ વહીવટમાં તેમની સીધી દરમ્યાનગીરી એ યોગ્ય ગણાય ખરી? જો તેમ હોય તો જેટલું નબળું છે તે બધું જ સરકારે ખાનગી ક્ષેત્રને સોપવું જોઈએ. તેના દાખલા નીચે મુજબ છે.
ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે તેવા સત્તાવાર અહેવાલો છે. ગુનાખોરી વધવી તે ગૃહવિભાગની નબળાઈ ગણાય કે નહિ? તો ગૃહવિભાગનો આખો હવાલો પ્રાઈવેટ ડિટેક્ટિવ એજન્સીઓને ન સોપી દેવાય. નાનો કર્મચારી દોષિત ગણાય તો શું સનદી અધિકારીઓ દેવદૂત છે? કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી કથળેલી છે કે સરકાર પણ મુંજાયેલી છે તો ગૃહખાતાનો આખો વહીવટ ખાનગી ક્ષેત્રને સોંપવો જોઈએ. છેલ્લા એક વર્ષમાં કૃષિક્ષેત્રમાં કેવળ મોટા ભ્રષ્ટાચારો થયા. મગફળીને બદલે ફોતરા નીકળે, બારદાન સળગી જાય, જી.એસ.એફ.સી. ની કંપનીમાંથી આવતી ખાતરની ગુણીઓમાં ઓછુ વજન હોય. શું આ કામગીરીઓની સરકારને ખબર નથી? જો સરકાર એમ સ્વીકારે કે નીચલા સ્તરે આ કામગીરી નબળી છે તો તેનો અર્થ એવો જ થાય કે તંત્ર ઉપર સરકારનો કાબુ નથી અને જો કાબુ જ ન હોય તો સંત્રી કે પ્રહરી બનવાનો અર્થ શું છે?
સરકાર આંખ આડા કાન કરે જ છે. જ્યાં સરકારને, મંત્રીમંડળને અને સનદી અધિકારીઓને સામુહિક સ્વાર્થ દેખાય છે ત્યાં બધું જ ઢંકાયેલું રહે છે. શિક્ષણ એક એવો વિભાગ છે કે જે ધંધામાં મંદી આવવાની નથી ખાસ કરીને બાર ધોરણ સુધી તો નહિ જ તેથી મળતિયાઓ અને સગાવાલાઓ આ ધંધામાં પડ્યા હોય ત્યારે તે ધંધાને રક્ષિત રાખવા માંગે એટલે શિક્ષણ અને શિક્ષકોને બદનામ કરવા માટે આ વ્યવસ્થિત હેતુપૂર્વકનો પ્રયાસ છે. જો સરકાર ખરેખર ઇચ્છતી હોય કે શિક્ષણ સુધારવું છે તો કાલ સવારે વટહુકમ જાહેર કરે કે શિક્ષકોને શિક્ષણ સિવાયના કોઇપણ કાર્યમાં પ્રયોજવામાં આવશે નહિ અને જો શિક્ષણ સિવાયનું કામ સોપવામાં આવે તો જવાબદાર અધિકારી દંડનીય બનશે. સરકાર પાસે પૂરી સત્તા છે સરકારને શિક્ષણ જ બચાવવું હોય અને શિક્ષકોને જવાબદાર જ ગણવા હોય તો અષાઢ મહિનો ચાલે છે, ગુરુપૂર્ણિમા આવે છે તો આ વટહુકમ જારી કરી દે.
૨. ટેટ-ટાટની પરીક્ષાઓ લેવાય પછી બધી જ વિગતો સરકાર પાસે આવી ગયા પછી હજી પણ લાયકાત ધરાવતા યુવાનોને નોકરીમાં ન રાખીને સરકાર શું સાબિત કરવા માંગે છે? જો સરકારે મંજુરી આપી હોય અને સચિવશ્રી આ કાર્યવાહી ન કરતા હોય તો સચિવશ્રીને લેખિત કાર્યવાહીમાં ન લઇ શકાય? હકીકતમાં તેરી ભી ચુપ મેરી ભી ચુપ સિવાય બીજું કશું જ નથી.
સરકાર શિક્ષણ માટે ખરેખર કટિબદ્ધ હોય તો શિક્ષકોને અને આચાર્યોને સ્વાયતતા આપે. શું જે માં-બાપો બાળકોને શિક્ષણમાં નથી મોકલતા તેને લઇ આવવાની જવાબદારી શિક્ષકોની ગણાય ખરી? બાળકો ગેરહાજર રહે તો તેના ઉપર પગલા લેવાનો અધિકાર શિક્ષક કે આચાર્યને આપ્યો છે ખરો? વિડીયો કોન્ફરન્સ કરીને સરપંચોને જાણ કરી છે ખરી કે જે બાળકો શાળાએ નહી જાય તેના માં-બાપને કહેવાની-જોવાની જવાબદારી સરપંચની રહેશે આવું ક્યારેય કહ્યું છે ખરું? આમાંનું કશું જ કરવું નહિ અને માત્ર શિક્ષકોને દોષિત ઠેરવવા તેનો અર્થ જ એ છે કે સરકાર શિક્ષકોને હોળીનું નાળીયેર કરીને ખાનગીકરણને આવકારવા માંગે છે.
આપણે સહુ જવાબદાર નાગરિકો છીએ આપણે માં-બાપને પણ કહેવું જોશે કે, ”૧. આપણે જે સમયે ભણ્યા ત્યારે શું વ્યવસાયલક્ષી કે ખાનગી શિક્ષણ હતું ખરું? શું ત્યારે પણ શિક્ષકોની કોઈ જ મર્યાદા ન હતી? ૨. જો માં-બાપ તરીકે આપણી ઈચ્છા બાળક ગુણવત્તાવાળું શિક્ષણ મેળવે એવી હોય તો સરકારી શાળાના શિક્ષકોને આપણા બાળકોની પરીક્ષા લઇ અને જે પરિણામ આવે તે સ્વીકારવાની આપણી તૈયારી છે? ૩. માં બાપ તરીકે આપણે ક્યારેય એવા આંદોલન કે માંગણી કરી કે બિન જરૂરી રજાઓ બંધ કરો, નવરાત્રીના વેકેશનનો વિરોધ ખાનગી સંચાલકોએ કર્યો માં-બાપો એ કેમ ન કર્યો? જન્માષ્ટમીના દિવસોમાં સૌરાષ્ટ્રમાં તો શિક્ષણમાં મીની વેકેશન હોય છે. કેમ આપણે તેનો વિરોધ કરતા નથી? જો બાળકોના શિક્ષણ માટે આપણને એટલો જ પ્રેમ હોય અને આપણી એટલી જ ચીવટ હોય તો બાળક શિક્ષણમય રહે તેવું વાતાવરણ ઘરમાં આપવાની જવાબદારી આપણી ખરી કે નહિ? ૪. આપણા બાળકને ગુજરાતી બોલતા ન આવડે તેનો આપણે કદાપી ઠપકો આપ્યો ખરો? આપણે પોતે ગુજરાતી-અંગ્રેજી મિશ્ર બોલવાનું અનુભવીએ છીએને અને જો એમ જ હોય તો માતૃભાષા શીખવાની ઈચ્છા ન હોય તો શિક્ષકો ઉપર શા માટે આંગળી ચીંધીએ? આપણે જ આંદોલન કરીને કહીએ કે અમારે ગુજરાતી નથી ભણાવવું. શું શિક્ષકો આપણા પાડોશી, આપણા સગા સંબધીઓમાંથી નથી? ૫. જે ખાનગી શિક્ષણ સંસ્થામાં આપણે મુકીએ છીએ ત્યાં આપણે શિક્ષકો પાસે જોહુકમી કરીએ છીએ ખરા? ખાનગી શાળા વેકેશનમાં બાળકોને બોલાવે તો આપણે વિરોધ કરીએ છીએ ખરા? શું સરકારી શાળામાં ભણતું બાળક નાપાસ થાય તો તેના ટ્યુશન માટે આપણે બીજી કોઈ વ્યવસ્થા કરીએ છીએ ખરા? જો ખાનગી શાળામાં શિક્ષણ ખરેખર સારું હોય તો ત્યાં ભણતા બાળકોને માટે પછીથી ટ્યુશનમાં શું કામ મુકવા પડે? આપણને ખબર જ છે કે ખાનગી શાળાના શિક્ષકો પણ સરકારી શિક્ષણની વ્યવસ્થામાંથી જ તૈયાર થયેલા છે. ખાનગી શાળાના શિક્ષકો પૈકી અપવાદરૂપ ૨% ને બાદ કરતા બાકીના બધા જ આપણી જ જેમ ગુજરાતી માધ્યમમાંથી જ ભણીને ત્યાં ભણાવે છે. સરકારની સંસ્થામાં આપણે બાંયો ચઢાવીએ છીએ અને ખાનગી સંસ્થામાં દોડી દોડીને ઘુટણીયે પાડીને માગે તેટલી ફી આપી દઈએ છીએ. શું આપણો આ વ્યવહાર સરકારી સંસ્થાના શિક્ષકોને હતાશા ન લાવે? આપણે ખાનગીને ગોળ દઈએ અને સરકારી શિક્ષકોને ખોળ દઈએ તો એ વાંક આપણો છે, આપણે પણ જવાબદાર છીએ.
સૌથી મોટો પ્રશ્ન શિક્ષકો માટે છે. લોકશાહીમાં પોતાનો અવાજ રજુ કરવો એ ધર્મ પણ છે અને અધિકાર પણ છે. આપણું મૌન, આપણી નિષ્ક્રિયતા, આપણી ઉદાશીનતા સરકારને કારણ વગરના હથિયાર આપે છે. આપણે સ્પષ્ટ રીતે એકી અવાજે સંઘઠીત થઈને સરકારને કહેવું પડે કે, “અન્યનું તો એક વાંકુ આપના અઢાર છે”. મિત્રો તાજેતરમાં કલકત્તા શહેરની એક હોસ્પીટલના એક ડોક્ટરને અમાનુષી માર મારવામાં આવ્યો તે નિંદનીય જ હતું. પરંતુ મહત્વની વાત એ છે કે આખા ભારતના બધા જ ડોકટરો એકીસાથે હડતાલ ઉપર ગયા અને વિના શરતે સરકારે માફી માગવી પડી. ડોક્ટરોના આ સંઘઠનને નમસ્કાર તો કરીએ જ પણ આપણે પણ તેમાંથી શીખીએ જેમ ડોક્ટર બાળકને કે માણસને જીવતા રાખવાનું કામ કરે છે સેવાનું કામ કરે છે તો શિક્ષક પણ બાળકના માળીનું કામ તો કરે જ છે. જયારે આપણે આપણું પોત ગુમાવી દઈએ ત્યારે આપણા ઉપર સહુ સવાર થઇ જાય. આપણે પણ સમાજના ઘડતરનું જ કામ કરીએ છીએ દરેક વ્યક્તિ અને દરેક વ્યવસાયની મર્યાદા તો હોય જ. તબીબી વ્યવસાયમાં પણ ડોકટરો સર્વાંગ સંપૂર્ણ નથી છતાં પણ બધા જ સંઘઠીત રહ્યા અને પેરામેડીકલ સ્ટાફ પણ સાથે રહ્યો. આપણે આપણી કોઈ ભૂલ કે મર્યાદાઓને કારણે શા માટે લઘુતાગ્રંથી અનુભવીએ આપણો પણ એ અધિકાર છે, આપણે પણ કહેવું જોઇશે કે અમે પણ સમાજનું જ કામ કરીએ છીએ. રહી વાત વળતરની તો સો એ એકાદ તબીબ કેવળ સખાવતની વૃત્તિથી સેવા કરતા હોય તો એમ તો શિક્ષકોમાં પણ છે જ. જે નબળાઈ, જે મર્યાદા કે જે દોષ આપણામાં છે તે બધે જ છે. પણ આપણી સૌથી મોટી મર્યાદા એ છે કે આપણે આપણામાં જ ભાગ પડી દીધા છે. સરકારને માટે ભાવતુતુ તેવું આપણે કરી દીધું છે. આપણામાં પ્રવાસી શિક્ષકો હોય તો બીજે કેમ પ્રવાસી ડોક્ટર કે કોન્સ્ટેબલ ન હોય? આપણામાં રજીસ્ટ્રાર પાંચ વર્ષને માટે કોલેજના આચાર્ય પાંચ વર્ષને માટે જે વર્ગ-૧ ની જ પાત્રતા વાળા છે તો સનદી અધિકારીઓને કેમ પાંચ વર્ષને માટે ફિક્સ નહિ? ૧૧ મહિનાના શિક્ષકો ફિક્સ પગારના શિક્ષકો, પૂર્ણ સમયના શિક્ષકો, એડહોક શિક્ષકો આ બધામાં આપણે વહેચાઈ ગયા છીએ. આપણે સંઘઠીત થવાની જરૂર છે. આપણામાં એક વર્ગ સ્વાભાવિક રીતે જ ભક્ત થવા દોડાદોડી કરે છે. આ વર્ગને એકી અવાજે બેસાડી દેવાની જરૂર છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણને સલાહ આપનાર આપણને સુચના આપનાર આપણને આદેશ કરનાર આપણા જ થકી તૈયાર થયા છે. માત્ર પ્રજાના સેવકો નહી પણ આઈ.એ.એસ. ઓફિસરો પણ આપણા જ પ્રકારની પરમ્પરાગત શિક્ષામાંથી તૈયાર થયા છે. મેરી બિલ્લી મુજસે હી મિયાઉં. આમ થયું છે કારણ કે આપણે મોકળું મેદાન આપ્યું છે. આપણી પણ એક ગરિમા છે આપણા વ્યવસાયનું પણ એક ગૌરવ છે. આને લાંછન લગાડનાર આપણા જે બે ભાઈઓ હોય તે ભલે ખુલ્લા પડે, તેનો બચાવ પણ ન કરીએ પણ કામ કરે તેની ભૂલ તો પડે જ આપણે સરકારને કઈએ કે અમને પણ ખાનગી શાળાના શિક્ષકોને કે સંચાલકો જેટલી છૂટ આપો. આપણને ક્યાં બાળકોને પ્રવેશ આપવો તેનો અધિકાર આપો. જો આઈ.આઈ.ટી. અને આઈ.આઈ.એમ. માં ઉત્કૃષ્ટ કૌશલ્યવાળા બધા છે તો આપણી સાથે એ પણ પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને તૈયાર કરાવે અને તેમને કરોડપતિ બનાવે. મિત્રો આપણે વિવેકપૂર્વક પણ કહેવું જોઇશે કે, “પોલું હોય ઈ તો સહુ વગાડે સાંબેલું વાગળ તો હું જાણું કે તું શાણો”.
આ અહેવાલો કે પ્રસાર માધ્યમોથી વિચલિત બિલકુલ ન થઇએ, હા આપણે આત્મપરીક્ષણ જરૂર કરીએ અને હવે સરકાર જયારે બધું ઢોલ વગાડીને કહે છે તો આપણે પણ દરેક વર્ગના જે બાળકો આવ્યા છે તેના સી.સી.ટી.વી મોકલીએ એટલું જ નહી શાળાના સમયે જે બાળકો ઘરે રમે છે તેના અહેવાલો બી.આર.સી, સી.આર.સી ને તુર્ત જ મોકલીએ. ફ્રાન્સના લુઈ ૧૪ ના શાસનમાં જયારે ચીજ વસ્તુના ભાવો ભડકે બોલ્યા ત્યારે માત્ર ચાર દિવસમાં હજારો પોસ્ટકાર્ડ સમ્રાટના દરવાજે પડ્યા અને લુઈ સફાળો જાગી ગયો. સરકારને ભલે જાગવું ન હોય આપણે જગાડવાનું છે. પ્રચાર કરવાનું કામ માત્ર રાજકીય પક્ષોને જ આવડે તેવું નથી જો બુથ પ્લાનિંગથી ચૂંટણી જીતી શકાય તેવી તેમની માન્યતા હોય તો આપણે પણ બુથ પ્લાનિંગ કરીને, ઘર-ઘર પહોચીને માં-બાપને જાગૃત કરીએ અને સચ્ચાઈ તેમની સામે મુકીએ. મિત્રો જયારે શોમેનશીપ ચાલતી હોય ત્યારે એક્ચ્યુઅલ શો કરનાર મૂંગો રહે તે કેમ ચાલે? સમય આવ્યો છે કે હવે આપણે સહુ પૂર્વ પ્રાથમિકથી લઈને પ્રાચાર્ય સુધીના બધા જ સંઘઠીત થઈએ અને એકી અવાજે કહીએ કે લોકશાહીમાં કોઈ એક વર્ગ જવાબદાર નથી આખો સમાજ જવાબદાર છે. શિક્ષા કરો તો આખા સમાજને કરો અને લોકશાહીમાં તો સંયુક્ત જવાબદારીનો જ સિધ્ધાંત છે માટે આખું મંત્રીમંડળપણ આપણી સાથે એટલું જ જવાબદાર ગણાય. આપણી ખુલ્લી મશ્કરી થાય અને આપણે બેઠા રહીએ તો આપણી સાથે આવે કોણ? માટે આપણે સાવધ બનીએ. સરકાર મજબુત સમાજને કારણે થઈ છે એ સમાજ સરકારને મજબુતમાંથી મજબુર પણ કરી શકે જો ધારે તો. આ ધરવાનું કામ આપણું છે સમાજને આપણે સ્પષ્ટ કહીએ કે શિક્ષકોની અને શિક્ષણની મશ્કરી બંધ કરો એટલે તમે ગુરુવંદના જ કરી ગણાશે, અને સરકારને કહીએ કે શોષણ બંધ કરો સ્વાયતતા આપો એટલે સરકારે સંસ્કૃતિને ઉજાગર કરી ગણાશે.

-ડૉ. તુષાર હાથી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો