શનિવાર, 13 જુલાઈ, 2019

ભારતની અંતરિક્ષમાં લાંબી છલાંગ

પોતાના બીજા મિશન મુનની સાથે ભારત અંતરિક્ષમાં લાંબી છલાંગ ભરવા તૈયાર છે. આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાના સીતશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી 15મી જુલાઇના રોજ વહેલી સવારે 2 વાગ્યે 51 મિનિટ પર ચંદ્રયાન-2 લૉન્ચ થશે. લોન્ચના 52 દિવસ બાદ ચંદ્રયાન-2 ચાંદની સપાટી પર ઉતરશે. ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)નું આ ખૂબ જ મહત્વકાંક્ષી મિશન છે. આવો જણાવીએ લોન્ચિંગથી લઇ ચાંદની સપાટી પર ઉતરવા સુધીની આખી પ્રક્રિયા અંગે. ચંદ્રની સપાટી પર દક્ષિણ ધ્રુવ પર ઉતારનારું યાન દુનિયાનું સૌપ્રથમ છે, આમ ઇસરોનું યાન અહીં પ્રવેશી ઇતિહાસ રચશે.

સોમવાર સવારે 2:51 વાગ્યે ચંદ્રયાન-2ને ભારતના સૌથી શક્તિશાળી રોકેટ GSLV MK-3થી લોન્ચ કરાશે. લોન્ચિંગ બાદ ચંદ્રયાન પૃથ્વીની કક્ષામાં પહોંચશે. 16 દિવસ સુધી આ પૃથ્વીની પરિક્રમા કરતાં ચાંદની તરફ આગળ વધશે. આ દરમ્યાન ચંદ્રયાનની વધુમાં વધુ ગતિ પ્રતિ સેકન્ડ 10 કિલોમીટર અને ઓછામાં ઓછી પ્રતિ કલાક 3 કિલોમીટર હશે.

16 દિવસ બાદ ચંદ્રયાન પૃથ્વીની કક્ષામાંથી બહાર નીકળશે. આ દરમ્યાન ચંદ્રયાન-2થી રોકેટ અલગ થઇ જશે. 5 દિવસ બાદ ચંદ્રયાન-2 ચાંદની કક્ષામાં પહોંચશે. આ દરમ્યાન તેની ગતિ 10 કિલોમીટર પ્રતિ સેકન્ડ અને 4 કિલોમીટર પ્રતિ સેકન્ડ રહેશે.

ચાંદાની કક્ષામાં પહોંચ્યા બાદ ચંદ્રયાન ચંદ્રમાની ચારેબાજુ અને ગોળ-ગોળ ચક્કર લગાવતા તેની સપાટીની તરફ આગળ વધશે. ચંદ્રમાની કક્ષામાં 27 દિવસ સુધી ચક્કર લગાવતા ચંદ્રયાન તેની સપાટીની નજીક પહોંચશે. આ દરમ્યાન તેની વધુમાં વધુમાં ગતિ પ્રતિ સેકન્ડ 10 કિલોમીટર અને ઓછામાં ઓછી સ્પીડ પ્રતિ સેકન્ડ 1 કિલોમીટર રહેશે.

ચાંદની સપાટીની નજીક પહોંચ્યા બાદ ચંદ્રયાન ચાંદના દક્ષિણ ધ્રુવની સપાટી પર ઉતરશે. પરંતુ આ પ્રક્રિયામાં 4 દિવસ લાગશે. ચાંદની સપાટીની નજીક પહોંચવા પર લેન્ડર (વિક્રમ) પોતાની કક્ષા બદલશે. પછી તે સપાટીની એ જગ્યાને સ્કેન કરશે જ્યાં તેને ઉતરવાનું છે. લેન્ડર ઓર્બિટરતી અલગ થઇ જશે અને અંતમાં ચંદ્રની સપાટી પર ઉતરશે.

લેન્ડિંગ બાદ લેન્ડર (વિક્રમ)નો દરવાજો ખુલશે અને તે રોવર (પ્રજ્ઞાન)ને રીલીઝ કરશે. રોવરને નીકળવામાં અંદાજે 4 કલાકનો સમય લાગશે. પછી તે વૈજ્ઞાનિક પરીક્ષણો માટે ચાંદની સપાટી પર નીકળી જશે. તેના 15 મિનિટની અંદર જ ઇસરોને લેન્ડિંગની તસવીરો મળવાનું શરૂ થઇ જશે.

આમ અલગ-અલગ તબક્કાની અંતર્ગત લોન્ચિંગના 52 દિવસ બાદ (16+5+27+4) ચંદ્રયાન ચાંદની સપાટી પર પહોંચી જશે. ચાંદની સપાટી પર પહોંચ્યા બાદ લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) 14 દિવસ સુધી એક્ટિવ રહેશે. રોવર આ દરમ્યાન 1 સેન્ટીમીટર/સેકન્ડની ગતિથી ચાંદની સપાટી પર ચાલશે અને તેના તત્વોનો અભ્યાસ કરશે અને તસવીરો મોકલશે. અહીં 14 દિવસમાં કુલ 500 મીટર કવર કરશે. બીજીબાજુ ઑર્બિટર ચંદ્રમાની કક્ષામાં 100 કિલોમીટરની ઊંચાઇ પર તેની પરિક્રમા કરતા રહેશે. ઓર્બિટર ત્યાં 1 વર્ષ સુધી એક્ટિવ રહેશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો