પ્રાથમિક શાળાનું વિલીનીકરણ: સરકારની બિન ઉપજાઉ શાખાને સાઇડ લાઈન કરવાનું કાવતરું
અચાનક નથી થયું કશું. રંધાતું હતું. શા માટે ચૂપ છે બધા? શા માટે એસ.એમ.સી. વાલીઓ કે લોકો ચૂપ છે? શું થઈ રહ્યું છે એ લોકશાહી દેશના લોકોને જ કેમ ખબર નથી પાડવા દેવામાં આવતી અંત સુધી? શા માટે શાળાને મર્જ કરવાનો નિર્ણય પણ જે તે ગામના વાલીઓ પર ના છોડાય?
સરકારનો ' ફતવો '
રોજ પાંચ નવા ફતવા પરિપત્ર રૂપે શિક્ષણ વિભાગમાં થાય છે એમાં એક નવો વધારો...
૧૦૦ થી ઓછાં વિદ્યાર્થીઓ હોય એ સરકારી પ્રાથમિક શાળાઓને બાજુની શાળામાં મર્જ કરવામાં આવશે. આ શાળા ત્રણ કિમી.ની અંદર હશે.
વાસ્તવિકતા
જો આ શાળામાં ભણતા બાળકોના વાલીઓ સક્ષમ હોત કે આ બાળકો સક્ષમ હોય તો બીજી શાળામાં પેહલેથી જ ના ભણત? વાડી વિસ્તારથી ગામ દૂર હોય કે નાના ગામથી મોટું ગામ દૂર હોય એટલે તો આ શાળા અસ્તિત્વમાં આવી હોય છે કે બાળકોને આવવા જવાનું સરળ પડે.
બાળકોને મુશ્કેલી એ સર્જાવાની કે દૂર શાળામાં જવા વાલીઓ મૂકવા જવું પડશે. વાલીઓની અનુકૂળતા નહિ હોય એ દિવસે એ નહિ આવે. સવારની શાળા હોઈ ત્યારે વચ્ચેના રસ્તાઓ અવાવરૂ હોય તો મોટા છોકરાઓ પણ નહિ આવે. શાળામાં વિદ્યાર્થીઓની અનિયમિતતા, ડ્રોપ આઉટ, અપ ડાઉનનું સ્ટ્રેસ, વાલીઓની અનુકૂળતા આ બધી સમસ્યાઓનો સામનો ૬ થી ૧૪ વર્ષનું બાળક કરશે.
આવું કરવું શા માટે પડ્યું?
શિક્ષણના સચિવ શ્રીમાન રાવ સાહેબે એક સર્વે રજૂ કાર્યો કે આટલી સરકારી શાળાઓમાં ૧૦૦ થી ઓછી સંખ્યા છે જો એને બંધ કરવામાં આવે તો સો એન્ડ સો રકમનો સરકારનો ચોખ્ખો બચાવ થાય. આટલા શિક્ષકો ઓછા લેવા પડે. વગેરે વગેરે... માં બાપ ને તો પૈસા બચાવતું બાળક જ ગમવાનું. વિકાસ વાંછુઓ તૈયાર પણ થઈ ગયાં. પણ પછી અટવાયા કે ૬ થી ૧૪ વર્ષના બાળકો ને મફત ને ફરજિયાત શિક્ષણ આપવાનું છે એ બંધારણીય છે. છાને ખૂણે એમ પણ વાત થઈ કે મોટે ઉપાડે અગાઉની ચૂંટણીઓમાં ' સાહેબ ' ના વખતમાં ગામડાંના મત લેવા આપડે જ સરકારી શાળાના ગેટ આગળ મોટા અક્ષરે લખવું ફરજિયાત કર્યું હતું કે ૧૦૦ મીટર ની ત્રીજિયમાં જ સરકારી શાળા બાળકને મળી રહે ને ન મળે તો વાહન આપવું. બોલો? એટલે હવે બંધ કરીએ એમ નહિ, નામ બદલો ' વિલીનીકરણ ' કરીએ છીએ.
અસર અને પરિણામ: શું સરકાર સોનાના ઈંડા દેતી મરઘી પાળવા ઘરની ગાયને મારશે?!
૧૦૦ મીટરની ત્રીજિયમાં જ સરકારી શાળા બાળકને મળી રહે ને ન મળે તો વાહન આપવું. આ વાતનું શું થશે? એક તરફ દૂરથી બાળકને લાવવા લઈ જવા વાહનના કોન્ટ્રક થાય છે ને બીજી બાજુ શાળાઓનું અંતર વધારાય છે તો સરકાર ઈચ્છે છે શું? કોન્ટ્રાકટ વધે તો ' ઉપજાઉ ' કામ થાય?!
થાશે એવું કે ૧૦૦ વિદ્યાર્થી ધરાવતી શાળાના અમુક વાલીઓ સક્ષમ હશે થોડોક પણ તો એ પેલી દૂર શાળાએ મૂકવા લેવા જવાની માથાકૂટમાં પાડવા કરતા ખાનગી શાળા કે જેનું વાહન ઘરે આવીને લઈ જાય મૂકી જય છે ત્યાં બાળકને ' મર્જ ' કરશે. અંતે આ શાળા જ્યાં વિલીન થઈ છે એમને પણ પૂરી સંખ્યા ના મળે. હવે? સંખ્યા ઓછી તો શિક્ષકો પણ ઓછા જોઈએ. ભરતી ના કરવી પડે. પગારનો બોજ કે નવા કર્મચારીનો બોજ ના પડે. વાહ! અને હવે તો ' દેશ બદલી રહ્યો છે ' વાલીઓ સક્ષમ થઈ રહ્યાં છે. એમને એમના બાળકને ભણાવવા હશે તો ખાનગીમાં મૂકશે. આખરે એ જ તો છે સોનાના ઈંડાના હપ્તા આપતી મરઘી! એનું શું થાય જો સરકારી શાળા સારી થઈ જાય તો?
પરિણામે શિક્ષણનું ખાનગીકરણ વધશે. વાલીઓને ફરજ પડશે. સરકારી શાળાના શિક્ષકોનાં મોરલ ભાંગશે સરકારી શાળાનું તંત્ર બગડશે.
શા માટે સબ ચૂપ જેવી સ્થિતિ છે?
એસ.એમ.સી. પાસે આનો વિરોધ કરવાની સત્તા છે. વાલીઓ આ બાબતે જાગૃત થાય તો એના છોકરાઓને સરકારે ભણાવવા પડે ૧૦૦ ને બદલે પાંચ હોય તો પણ. તો કેમ કોઈ કશું બોલતું નથી? કે બોલી શકાતું નથી કે બોલવા દેવામાં આવતા નથી? સરકારી શિક્ષકનું ગળું તો પાંચ વર્ષ પેહલાના એક પરિપત્રમાં જ ઘૂંટી નાખવામાં આવ્યું છે એટલે માંડ માંડ ઘર ચલાવતો બાપડો માસ્તર તો શું બોલે? પણ આવી ઘટના સરકાર ખાલી પરિપત્રથી અમલમાં લાવે એ ખોટું. આની નોટિસ રૂપે દરેક છાપામાં મોટા અક્ષરે એની નીતિ જાહેર કરવી જોઈએ. ગામ કે તળ વિસ્તારનો વિશ્વાસનો મત લેવાવો જોઈએ. આફ્ટર ઓલ લોકશાહી દેશ છે. સ્થાનિક સમિતિને તો કમસેકમ કેહવુ જોઈએ. એમાં એક આચાર્ય ને શિક્ષક છે એનો મત પણ માન્ય રાખવો જોઈએ કારણ કે ગ્રામ્ય સ્તરે સાચી સ્થિતિ એક શિક્ષકથી વધુ કોઈ જાણતું નથી.
ભોગ કોનો લેવાશે?
મજૂર, કારીગર, ભાગયત ખેડૂત, નાના વેપારી, સામાજિક એવમ શૈક્ષણિક પછાત, અંતરિયાળ રેહનારા, આવા વર્ગના વાલીઓના બાળકોનો ભોગ લેવાશે. કારણ કે સવારમાં ટિફિન બનાવીને નીકળી જનાર આ વર્ગના બાળકોને નજીકની શાળા જ સાચવતી, હવે દૂર થશે તો વાલી એમને સાથે લેતા જશે. કાં બાળક એટલો સમય ચાલીને ત્યાં પહોંચશે. એના માટે એને વહેલું નીકળવું પડશે ગરમી ને વરસાદમાં એનો વાલી નહિ હોય એની સુરક્ષા માટે. પણ એ.સી. માં બેઠાં બેઠાં આ વિચાર ના આવે. આપણે તો રાષ્ટ્રભક્તો એવા ઉદાહરણ આપીએ કે લાલ બહાદુર શાસ્ત્રીજી નદી તરીને જતાં તો એ મહાન બન્યા! પણ એલા આઝાદીના આટલા વર્ષે પણ આ જ સ્થિતિ મારા દેશના બાળકે ભોગવવાની? પોઈન્ટ એ પણ નોંધો સાહેબ કે મર્જ કરેલી ઘણી શાળાઓમાં કોઈ જગ્યાએ નદી, વોકળો કે રાષ્ટ્રીય ધોરમાર્ગ ટપવા પડે એ સર્વે કરાવ્યો છે?
આવા નિર્ણયો શા માટે?
અગાઉના સચિવ સુનયના તોમર દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ મુકાયેલો. જેમાં ગામડાની સરકારી શાળા જ્યાં પેલા શિક્ષકો માટે બેસવા ડબ્બા કે પથ્થર હતા ત્યાં તેણે પ્રોજેક્ટર ને સ્માર્ટ ક્લાસ કર્યા. બાળકો ડિજિટલ બોર્ડ પર ભણતાં થયાં. શિક્ષકો ને બાળકો બંને ઉત્સાહમાં આવ્યા. પ્રાથમિક શાળાના શિક્ષકોએ હોંશે હોંશે ભાગ લીધો એને ય લાગ્યું કે મેરા દેશ બદલ રાહ હૈ... પણ એ સચિવની તરત બદલી થઈ ત્યાંનું કારણ જે હોય તે પણ દેખીતું કારણ એક જ લાગે છે કે એમાં સરકારે ગુમાવવાનું હતું વસ્તુ ખરીદી ને મેન્ટેનન્સ બધું માથે પડે જે ખાતા માંથી કંઈ સીધી રીતે ' ઉપજતું ' નથી ત્યાં જાજો ખર્ચ કરાય? કોમ્પ્યુર યુગમાં ડાયરીમાં ખર્ચ કરાય એકમ કસોટીની છાપેલ બુક આપવામાં ખર્ચ કરાય પણ આધુનિક શિક્ષણ માટે કઇ ન થાય?!
એક સવાલ...
તમે પેન્શન પાત્ર નોકરી બંધ કરી કોઈ વાંધો નહિ. તમે પાંચ વર્ષ ફિક્સ પગાર રાખ્યો, કોઈ વાંધો નહિ.
તમે ગુણોત્સવ અને પ્રવેશોત્સવમાં માસ્તર ને વિદ્યાર્થીઓને નચાવ્યા, કોઈ વાંધો નહિ.
તમે ડાયરી, સ્વાધ્યાય પોથી, એકમ કસોટી બુક, બાંધકામ, કોમળ બાળકને ઉનાળામાં બાળી મૂકે એવા સિંટેક્ષના રૂમ, પ્રોજેક્ટર, કોમ્યુટર, ડ્રેસ વગેરેના નામે ઘર ભર્યા, કોઈ વાંધો નહિ.
તમે સૌથી મોટો ગુનો આર.ટી. ઈ. ને ઢાલ બનાવી સરકારી પ્રાથમિક શાળા માંથી ખાનગીમાં બાળકોને પ્રવેશ અપાવ્યો, કંઈ વાંધો નહિ.
તમે ઓનલાઇન હાજરી, માહિતી મૂકવાં માટે શિક્ષકોને રાસડા લેવડાવ્યા, કોઈ વાંધો નહિ.
પણ .... પણ .... પણ .....
સરકારી શાળાઓને ' વિલીનીકરણ ' જેવા રૂપાળા શબ્દોની ચુંદડી ઓઢાડીને રાષ્ટ્રભક્તિનું ઘરઘરણું કરો એ કેટલું વાજબી?
શું કરવું જરૂરી?: ગામડાનું ટેલેન્ટ ન રોળાવા દેવું હોય તો...
સરકારે....
આ નીતિ ખારીજ કરે જેટલું બને એટલું વહેલા.
તેવી શાળાઓમાં વિસ વિદ્યાર્થીએ એક શિક્ષક લેખે શિક્ષક આપો. ૧૦૦ એ પાચ હશે તો પણ એક તો તમારી આંકડાકીય માહિતીઓ આપવામાં જ રહેશે.
દરેક શિક્ષક શાનથી શાળામાં જાય એવા એના પ્રોત્સાહન માટે સરકારે છેલ્લા પાંચ વર્ષમાં એક પણ પગલું ભર્યું હોય તો બતાવે? શાળા પરિપત્રોથી નથી ચાલતી કે બાળકોને ભણાવી દેવા એ પ્રોગ્રામિંગ નથી કમ્પ્યુટરનું કે તરત થઈ જાય, જીવતા જીવ સાથે કામ પાર પાડવાની વાત છે આ.
સ્વીકારીએ કે શિક્ષકો ભણાવતા નથી તો યોગ્ય તપાસ કરો. સૂકા પાછળ લીલું ના બાળો.
નીતિએ...
શિક્ષણ વિભાગ સરકાર માટે ખર્ચાળ છે. એમાં જાવક છે આવક કઇ નથી એવું તંત્ર વિચારતું હોય એમ એક જ સરકારના કર્મચારી હોવા છતાં બેન્કર અને શિક્ષક બંનેના પગાર ધોરણ જુદાં!? પગાર તો ઠીક લાભો મળવાના નિયમો જુદાં.
નીતિ વિષયક અનુકરણ વિદેશ માંથી કર્યું પણ શિક્ષણ સ્તરે શિક્ષણનું વહીવટી તંત્ર તો જૂનું જ છે. ત્યાં શિક્ષકો કામ આપે છે કારણ કે એને સપોર્ટ કરનારું એનું તંત્ર છે અને અહીં પરિણામ વિદેશી નીતિ પ્રમાણે જોઈએ પણ આપવા સમયે કંઈ નહિ. સાદુ ગણિત છે કે ઘરે કામ કરતો કારીગર કે નોકરનું કાર્ય આપની અપેક્ષા એ ત્યારેજ ખરું ઉતારવા માંડશે જ્યારે તમે એમને સ્વમાનભેર જીવવા દેશો.
લોકોએ..
જાગૃત થવું પડશે.
સરકારી શાળા તરફ વળવું પડશે.
શિક્ષકો ત્યાં ના ભણાવે તો ફરિયાદ કરો કે સાથે મળી ને વાત કરી ને સમસ્યા ઉકેલો.
એસ.એમ.સી.ની સત્તા શું છે એ કોઈ શિક્ષક કે શિક્ષણ તંત્ર આપને નહિ કહે કારણ કે તમે ઘણો બદલાવ લાવી શકો એમ છો તો એમાં રહો ને સરકારના ફતવા સામે ને શિક્ષકોના આળસ સામે લડો ને સારું કામ કરનારાને બિરદાવો.
તમે અને તમારા આસપાસના લોકો એનું બાળક સરકારી શાળામાં ભણાવા મૂકે એવું અભિયાન ચલાવો.
દેશ આઝાદ થયાના આટલા વર્ષે સરકારી પ્રાથમિક શાળાઓ વધવી જોઈએ અને આધુનિક થવી જોઈએ. આ કેવી નીતિ કે સરકારી શાળાઓ ઓછી થાય ને શિક્ષકો ઓપી થાય?!
સો વાતની ત્રણ વાત...
નીતિ વિષયક નિર્ણયો શિક્ષકો ને એસ.એમ.સી.ના વિશ્વાસના મતે લેવાય. સચિવો એ વહીવટી ને મેનેજમેન્ટ ના માનસ ધરાવે છે એને કેળવણી વિષયક નિર્ણય ન લેવા દેવાય.
ભારતનું પ્રત્યેક બાળક ભારતનું ભવિષ્ય છે એના ભાવિ સાથે ચેડાં ન થાય એ માટે શિક્ષકોને માત્ર વર્ગમાં કામ કરવા દો.
વહીવટી માળખું પરિણામની અપેક્ષા રાખે તો સ્વાયત્તા આપે.
શા માટે લખ્યું? નામ વગર એ પણ?
હું શિક્ષક છું. ભલે કોલર આઈ ડી પેહરેલો હોઉં પણ સિંહ છું. સરકારી કર્મચારી છું એટલે કોલર આઈ ડી પેહરેલા સિંહનું લોકેશન જેમ ફોરેસ્ટ ના હાથમાં હોય એમ હું સરકારના હાથમાં છું પણ સિંહ જંગલનો હોય છે ને ફોરેસ્ટર જંગલ માટે હોય છે ફોરેસ્ટર નું જંગલ નથી. એમ હું શિક્ષક છું પણ નાગરિક પણ છું લોકશાહી દેશનો. બાલા સાહેબ ઠાકરેના શબ્દો યાદ આવે છે: સરકાર દેશ માટે છે સરકારનો દેશ નથી. સિંહને તમે પાંજરામાં રાખી શકો પણ એની દહાડવાની ફિતરત ના ટાળી શકો.
શું કામ લખ્યું નો જવાબ છે:
દેશ ને સત્યના બદલામાં કશું જ ના ખપે.
નામ વગર કેમ? નો જવાબ:
મારો આધાર પગાર છે. મારો કોઈ ગોડ ફાધર નથી કે કોઈ રાજકારણી કે કોઈ મોટી હસ્તિને હું ઓળખાતો નથી. કે મારા સસ્પેન્સ અથવા ટ્રાન્સફર ને રોકવી શકે એવી મારી પાસે કોઈ લાગવગ નથી. નથી વધારાનો ધંધો કે નથી ખેતી. કે નથી મને કોઈની વિરુદ્ધમાં થવાની મજા. મારે મારું મગજ વાદ પ્રતિવાદમાં નથી બગાડવું. એક વિચાર રજૂ કાર્યો છે. ફાવે તો તમારો ના ફાવે તો મારો.
જય હિન્દ... વંદે માતરમ્...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો